ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શીતલ મહેતા

શીતલ મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક જૂની ઘટના – શીતલ મહેતા

કાલે કાળા તળાવમાંથી
એક જૂની ઘટના ઉપાડી.
એ પહેલાં જેવી ન હતી
લીસી અને ભીની હતી
ને વળી ચીકણી પણ!
વધારે પડતી સમજણની
લીલ જામી હતી ઉપર
ને થોડી જૂની વેદનાઓની
ફૂગ બાઝી ગયેલી…
પડી રહેલા સમયની શેવાળમાં
લપેટાયેલી હતી..
એક પળ થયું નાખી દઉં પાછી
પણ તોયે એ તો હશે જ તળિયે!
ઠરી જશે ત્યાં પાછી …
એટલે છોડું કે ન છોડું એમ વિચારતી
હાથમાં પકડીને જ ઊંઘી ગઈ.
આંખ ખુલી ત્યારે હથેળીમાં
એક સફેદ પીંછું હતું ને
સૂરજનું કિરણ સીધું તે પર પડતું હતું.

– શીતલ મહેતા

ફેસબુક પર નજર ફેરવતો હતો એવામાં “કાલે કાળા તળાવમાંથી એક જૂની ઘટના ઉપાડી” આટલું જ એક કવયિત્રીના પ્રોફાઇલ પર વાંચ્યું અને આ બે પંક્તિઓએ આખી રચના વાંચવા મજબૂર કરી દીધો…

મધ્યભાગમાં થોડી મુખર થઈ ગઈ છે એ વાત બાદ કરીએ તો આખી રચના અદભુત થઈ છે…

Comments (4)