પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઋશીરાજ જાની

ઋશીરાજ જાની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આવ્યાં છે આજ વાદળ – ઋશીરાજ જાની

આવ્યાં છે આજ વાદળ દુનિયાને ન્યાલ કરવા,
આકાશની સભામાં મસ્તીધમાલ કરવા…

તડકાની ગેંગ કરતી દાદાગીરી ઉનાળે,
ઘૂસી ગયાં છે વાદલ સામે બબાલ કરવા…

કાળાશ આભનીયે ધોવાઈ થાય ઉજળી,
ચમકે છે વીજળીઓ ‘સત્ શ્રી અકાલ’ કરવા…

આંખો મહીંનું કાજળ આષાઢ થઈ વહે છે,
વિરહીજનોના મનને ભીનાં રૂમાલ કરવા…

બાળકની આંગળીશાં ફોરાં પડે છે ટપટપ,
દાદાની ટાલ ઉપર હળવેથી વહાલ કરવા…

ક્યાં, કેટલી ને કેવી, ક્યારે થઈ છે વૃષ્ટિ
પલળો, તમે જવા દો ખોટા સવાલ કરવા…

– ઋશીરાજ જાની

કવિતામાં એકની એક વાતો અને એકના એક કલ્પનો માણી-વાંચીને આપણું મન ઘણીવાર ઓચાઈ જતું હોય છે. ઘણીવાર એવુંય લાગે કે આટલું બધું લખાઈ ચૂક્યું છે આ દુનિયામાં. હવે નવું કોઈ શી રીતે લખે ? પણ ક્યારેક આવી ગઝલ નજરે ચડે ત્યારે દસે આંગળીએ કવિ અને કવિતાના બલાયાં લેવાનું સહેજે મન થઈ આવે. જેટલી “ફ્રેશ” ગઝલ ! આ કવિનું નામ પણ મેં પહેલવહેલીવાર જ જાણ્યું પણ ફીદા ફીદા થઈ જવાયું…

Comments (8)