પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઓછી પડી - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
ગઝલ - ભાવિન ગોપાણી
શું લઉં હું આ નદીમાંથી ? - ભાવિન ગોપાણી
સ્વીકારી લીધું છે - ભાવિન ગોપાણીઓછી પડી – ભાવિન ગોપાણી

બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી,
જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી.

વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની,
એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી.

વેડ્ફ્યો ખાસ્સો સમય એ પામવાની લ્હાયમાં,
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી.

મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.

ડૂબવા માટે પ્રથમ તો આંખ પણ પૂરતી હતી,
ને પછી એવું થયું આખી નદી ઓછી પડી.

હું મને ક્યારેય રંગે હાથ ના પકડી શક્યો,
દર વખત મારા વિષેની બાતમી ઓછી પડી.

– ભાવિન ગોપાણી

સમયથી વધુ સાપેક્ષ શું હોઈ શકે? તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે, પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય. કાળની આ અકળ ગતિને ભવિન ગોપાણી ખૂબ સ-રસ રીતે મત્લામાં સમજાવે છે. ઘડીથી સદી વચ્ચેની જિંદગી પાતળા અસંતોષના પ્રતાપે જ જીવવા જેવી લાગે છે. ઓછી પડી જેવી રદીફ સાથે કવિએ જે કાબેલિયતપૂર્વક કામ પાર પાડ્યું છે એ જોતાં સહેજે કહેવાનું મન થઈ જાય કે આ ગઝલ ઓછી પડી…

Comments (6)

ગઝલ – ભાવિન ગોપાણી

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.

જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.

– ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણીની રચનાઓમાંથી પસાર થતાં એક વિશેષતા જે અનુભવાઈ એ મત્લાની બળકટતા. મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર હોય કે આખી ગઝલ વાંચવી જ પડે.

Comments (12)

ગઝલ – ભાવિન ગોપાણી

આમ તો હું શબ્દમાં પણ સાંપડું;
તું મને શોધે નહી તો ના જડું.

એટલો પાસે ગયો કે થઈ ગયું,
દાઝવું નક્કી, અડું કે ના અડું.

જે થયું તે પ્રેમ મારો માનજે,
આમ નહિતર તારી સાથે બાખડું ?

હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

કત્લ કરવા તું મને આવ્યો છું તો,
કરગરું કે પીઠ તારી થાબડું ?

આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.

મન-મગજ વચ્ચે ફરી ઝઘડો થયો,
છોડ, એમાં હું નહીં વચ્ચે પડું.

– ભાવિન ગોપાણી

આખી ગઝલ સરાહનીય પણ ઉદાસીના કૂવામાંથી બહાર આવવા મિત્રની હાજરીના દોરડાની આવશ્યક્તા ઉજાગર કરતો શેર તો ઉત્તમ. એ જ રીતે આયનામાં પ્રિયજન પોતાની જાતને જોવાની કોશિશ કરે અને પોતાના બદલે પ્રિયતમના દિદાર થાય એ કલ્પન પણ દાદ માંગી લે એવું.

Comments (7)

સ્વીકારી લીધું છે – ભાવિન ગોપાણી

ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.

તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.

સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.

તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.

હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.

– ભાવિન ગોપાણી

કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.

Comments (4)

ગઝલ – ભાવિન ગોપાણી

image

દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.

ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.

પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
થાય ઊભા ને આગળ આવે.

એક સ્મરણ મેં પાછું કાઢ્યું,
હું ઇચ્છું છું પુષ્કળ આવે.

થોડા ચ્હેરા એવા મોકલ,
સૌની આંખોમાં બળ આવે.

તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.

– ભાવિન ગોપાણી

‘ઉંબરો’ વટાવો અને ‘ઓરડો’માં પ્રવેશો. ભાવિન ગોપાણી એમના બીજા ગઝલસંગ્રહ વડે એમના ગઝલઘરમાં આપણને આમંત્રે છે. સંગ્રહમાંથી એક સંઘેડાઉતાર રચના આપ સહુ માટે.

બીજા સંગ્રહ માટે કવિને લયસ્તરો તરફથી શુભકામનાઓ….

Comments (16)

ગઝલ – ભાવિન ગોપાણી

image

પાથરે છે યાદ, ચ્હેરા ચીતરીને
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.

કહી ગયો અંધાર આ શું કરગરીને ?
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.

આપ જે માણી રહ્યા છો નાચ જેવું,
કોઈનું એ જીવવું છે થરથરીને.

વૃક્ષ જેવા વૃક્ષથી નારાજ થઈને,
રોડ પર આવી ગયાં ફૂલો ખરીને.

ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.

દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.

– ભાવિન ગોપાણી

ઉંબરા પર પગ મૂકતાં જ ઓરડો કેવો હશે એનો ક્યાસ આવી જાય છે એમ જ ભાવિન ગોપાણીના ‘ઉંબરો’ સંગ્રહમાંની આ ગઝલના ઉંબરે – પહેલા શેર આગળ ઊભતાં જ આખી ગઝલનો અંદાજ આવી જાય છે. ભીંત પરથી અનિયમિત આકારમાં ચૂનો ખરે અને એમાં કોઈનો ચહેરો યાદ બનીને પથરાતા હોય એ એક કલ્પન જ આખી ગઝલની રેખાકૃતિ ચીતરી આપે છે. આંધારાની વિનંતીને માન આપીને જાતે ઠરી જતા દીવા પણ દાદ માંગી લે છે. સમય સાથે ખરી જતાં ફૂલોની હકીકતને નારાજગી સાથે સાંકળી લેવાનું કમાલ ચિત્ર દોર્યા બાદ કવિ ખરી કમાલ તો ‘રોડ પર આવી જવું’ રુઢિપ્રયોગને બેવડા અર્થમાં જે રીતે પ્રયોજે છે એમાં કરે છે…

કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉંબરો’નું લયસ્તરોના ઉંબરે સહૃદય સ્વાગત છે….

Comments (13)

શું લઉં હું આ નદીમાંથી ? – ભાવિન ગોપાણી

હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી ?
તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી ?

ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા,
ક્ષણો બે ચાર ઉછીની લાવવા આખી સદીમાંથી.

અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો,
અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી.

નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો આ જ કારણથી,
ઉતારી ના શક્યો એ પણ સુદર્શન, આંગળીમાંથી.

અમારા અંગનું આ સૈન્ય આજે શાંત શાને છે ?
થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી.

– ભાવિન ગોપાણી

એક એક શેર શાંતિથી મમળાવવા જેવા…

Comments (5)

ગઝલ – ભાવિન ગોપાણી

જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઊંચો થયો છે ઉંબરો.

માનવીમાં છે નવી ફેશન હવે,
જેમ ફાવે એમ ઈશ્વર ચીતરો.

ડૂબતાને હાથ જો આપી શકાય ?
હાથમાં ઊગી શકે છે મોગરો.

કંઈ ખરીદું જાતને વેચ્યા વગર,
એટલી તો વ્યાજબી કિંમત ભરો.

આપનું આ આવવું ટોળે વળી !
આપણે મળવું નથી, પાછા ફરો.

સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો.

– ભાવિન ગોપાણી

આને કહેવાય contemporary poetry….

Comments (6)

ગઝલ – ભાવિન ગોપાણી

એ જ તારી યાદના રસ્તે ચડીને,
રોજ હું પાછો ફરું છું લડથડીને.

નામ તારું નીકળે છે મૌનમાંથી,
જો પ્રતિબંધિત કરું બારાખડીને.

ડાઘ મનનો સ્હેજ પણ દેખાય છે ક્યાં?
તેં રૂપાળી બહુ કરી છે ચામડીને.

ઓરડો આખો ભરાયો હીબકાંથી,
ભીંત પર કોણે પછાડી બંગડીને ?

જેમણે દોરાને પણ હોળી રમાડી,
તે બધા પામી ગયા નાડાછડીને.

બાળપણ સાચું હતું ને એટલે તો,
એ સમજતું’તું નિસરણી ઠાઠડીને.

– ભાવિન ગોપાણી

ભાષા પ્રતિબંધિત થાય અને મૌન પ્રિયજનનું નામ ઉચ્ચારે એ પ્રણયનો સાચો તબક્કો. સાદા સફેદ દોરાને પણ જે હોળી રમાડી શકે, બેરંગ જિંદગીમાં જે રંગ ભરી શકે એ જ લોકો જિંદગીને સાચા અર્થમાં ઉત્સવ બનાવી ઉજવી શકે.

Comments (10)

ગઝલ – ભાવિન ગોપાણી

પવન લઈને આવ્યો સમાચાર કેવા ?
અને થઈ ગયા વૃક્ષ બીમાર કેવા ?

ઉઠાવ્યા છે તેં પણ ઝૂકી હું ગયો છું,
છે તારા સવાલો વજનદાર કેવા ?

હું મંદિર ગયો છું ફકત દેખવા કે,
નિરાકારના હોય આકાર કેવા ?

ન ઊડી શકાયું ગગનમાં કોઈથી,
આ વળગી ગયા સૌને ઘરબાર કેવા ?

મને એટલે એ ગુનેગાર લાગ્યો,
ખુલાસા કરે છે લગાતાર કેવા ?

ઘણી ભીડ વચ્ચેય રસ્તો કરે છે,
તમારા ઈશારા છે વગદાર કેવા ?

મૂકો ક્યાંક છુટ્ટા જો અંધાર પાછળ,
તો થઈ જાય દીવાઓ ખૂંખાર કેવા ?

ઘણાં વર્ષથી રાતપાળી કરે છે,
હૃદયને રજા શું ? રવિવાર કેવા ?

– ભાવિન ગોપાણી

વજનદાર સવાલોની વજનદાર રજૂઆત…

Comments (16)