મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૨

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર.

અગાઉ આ શેર મુકુલ ચોક્સીનો છે એમ યાદદાસ્તના સહારે લખાઈ ગયું ત્યારે ધવલે આ ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું કે એ હેમેન શાહનો છે. એ ભૂલ આજે સુધારી લઉં છું અને ધવલે જ જોરપૂર્વક યાદ કરાવેલા હેમેન શાહના શેરથી જ મિત્રતા વિશે ગુજરાતી ગઝલોમાં લખાયેલ સુંદર શેરોની દ્વિતીય શૃંખલાની શરૂઆત કરું છું:

-તો દોસ્ત! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે, મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

અને મુકુલ ચોક્સીની એક જાનદાર ગઝલના બે શાનદાર શેર પણ સાથે જ આસ્વાદીએ:

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

શ્યામ સાધુ દિવસની જેમ આથમી જતા મિત્રોની વચ્ચે મૃત્યુ જ સાચું મિત્ર છે એ શોધી લાવે છે:

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા.

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

જલન માતરી સુખ અને દુઃખ-બધું મિત્રોમાં વહેંચી લેવામાં માને છે :

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાંખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

કોની દુઆ ફળી કે સમય મિત્ર થૈ ગયો,
જ્યાં જ્યાં કદમ ધરું છું હું ત્યાં ત્યાં બહાર છે.

‘સૈફ’ પાલનપુરી ગઝલના પરંપરાગત રંગમાં મિત્રોને બિરદાવે છે:

દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું.

‘નઝીર’ પણ કંઈક આવી જ વાત લઈને આવે છે:

મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.

વફાદારી વિષે મિત્રોની તો હું કહી નથી શક્તો,
મને તો એમ લાગે છે ભરોસાથી સુરક્ષિત છું.

પણ ‘પતીલ’ ગાંધીચીંધ્યા માર્ગે મિત્રોની બુરાઈના બદલામાં પણ માત્ર એમનું ભલું જ ઈચ્છે છે. મિત્રતાનો સાચો અર્થ શું આ જ નથી?

અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.

સુરેન ઠાકર ‘મેહુલ’ પણ મિત્રોને જખમ બતાવવામાં માનતા નથી. સાથે પસાર કરેલી ક્ષણોને બાળી એ કાજળ કાલવે છે:

મને ઓ દોસ્ત તારી જેમ શબ્દોની નજર લાગે
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભએ બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

‘મરીઝ’ એક તરફ તો મિત્રોની મહેફિલમાં સરી જતા સમયને જાળવવાનું કહે છે તો બીજી તરફ મુલાકાતો ઓછી રાખીને દોસ્તીનું પોત જાળવવાની તકેદારી રાખે છે.

સમય વિતાવો નહિ દુશ્મનોની ચર્ચામાં,
કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે.

સંભવની વાત છે કે નભી જાય દોસ્તી,
ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે.

મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,
સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.

રમેશ પારેખ મિત્રતાના સારા-નરસા બંને પાસા વચ્ચે સમતુલન જાળવીને ચાલે છે:

જળ ને ઝળઝળિયાંનો ભેદ સમજ્યાં નહીં,
એવા તમને, નમસ્કાર છે, દોસ્તો.

દોસ્તની છાતીઓનું નામ બારમાસી વસંત,
હમેશા ત્યાં જ અમારો પડાવ વરણાગી.

અમસ્થું મેં કહ્યું કે, મિત્ર ! છું અરીસો ફક્ત હું
પરંતુ દોસ્ત નિરખી મને કાં થરથરી ગયો ?

ન હોત પ્રેમ તો શું હોત ? છાલ જાડી હોત ?
હું હોત વૃક્ષ ને હે મિત્ર, તું કુહાડી હોત.

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.

જયશ્રી ભક્તાએ મોકલાવેલા કેટલાક શેર મમળાવીએ:

મુસાફિર મૂઠ્ઠી પૌવાની ભેટના પ્રસંગથી યાદગાર બની ગયેલી કૃષ્ણ અને સુદામાની મૈત્રીને સુંદર રીતે શબ્દોમાં વણી લાવ્યા છે:

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

મરીઝ પણ ક્યારેક તો મિત્રોને પોંખે જ છે :

નિઃસ્વાર્થ ઉમળકા અને નિર્મળ ચાહત
આ વાણી મધુરી અને સુંદર સ્વાગત
મિત્રોનો એ વર્તાવ છે મારી સાથે
ધનવાન હું હોતે તો ખુશામત માનત

હરીન્દ્ર દવે પોતાનો હૂંફાળો અવાજ લઈને મૈત્રીની ગરિમા જાળવવાનું ચૂક્તા નથી:

આ ભીડભર્યા કોલાહલમાં નિરવ રીતે
કોઇ મિત્ર તણો હૂંફાળો કર થઇ જીવી શકું
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા ?
પરવા કોને હું થીર રહુ કે વહી શકું ?

યુસુફ બુકવાલા પણ સુંદર વાત કરે છે :

આપી શકે તો આપ મને જીવતાં કફન
મૃત્યુની બાદ એની જરૂરત નહીં રહે
મિત્રો બૂરા સમયમાં દિલાસો એ દઇ ગયા
‘યુસુફ‘ સદાય તારી આ હાલત નહીં રહે

મિત્રો ત્યજી ગયા હોય એવી વિકટ પળે પણ કાબિલ ડેકાણવી પોતાની આપખુદી દુરસ્ત રાખે છે:

છે ખુદ મારા વ્યક્તિત્વમાં એવી ખૂશ્બો, ગજું શું કોઇનું મને ભૂલી બેસે
હજીય પુરાણા બધા મારા મિત્રો, કરે છે મને યાદ દુશ્મનને નામે

સાચા મિત્રો લાખોમાં એક જ હોય છે એ હકીકતથી રાજેશ વ્યાસ ‘મિસ્કીન‘ સુપેરે વાકેફ છે :

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે

મૈત્રીનો સાચો ચહેરો આ જમાનામાં કેવો હોય છે એના પર પિનાકિન ઠાકર પ્રકાશ પાડે છે:

જાણ સહુ મારા વિશેની સાવ કાચી આપશે
મિત્ર મારા સ્નેહના બે શબ્દ વાંચી આપશે
મૃત્યુ મારું થાય ત્યારે શત્રુને તેડાવજો
અંજલિ મારા વિશેની એ જ સાચી આપશે

ઊર્મિસાગર બરકત વિરાણી ‘બેફામ’ના બે શેરો આ સંકલનમાં ઉમેરે છે:લ્યો બોલીને તમે પણ મિત્રતા પૂરી કરી નાંખી,
લ્યો મેં પણ ચુપ રહી પૂરી વફાદારી કરી લીધી.

મારું જીવનકાર્ય મિત્રોએ કર્યું મર્યા પછી,
સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહિં.

અને અંતમાં બે વાત મારી પણ –

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

-વિવેક ટેલર.

13 Comments »

  1. neha said,

    August 20, 2006 @ 5:23 AM

    hu gujrati vishi vidyarthini chu. aa kavya vachi khub anand thayo partu vadhu kavya ni khoj karvi jarori che.

  2. ધવલ said,

    August 20, 2006 @ 11:05 AM

    દર વખતની જેમ જ ઉત્તમ ચયન. આનંદ થઈ ગયો.

  3. manvant said,

    August 20, 2006 @ 12:03 PM

    ગુજરાતી અશ્લીલ કહેવત કહું ?
    ‘ગજા વગરની ગ……ને લેખા વગરનો ભાર !’
    ડો. સાહેબ !તમારી અને તમારા સાથીઓની
    કોમેંટ કરવી ,એ મારા ગજા બહારનું કામ છે !
    માફી માગું છું.

  4. Chetan Framewala said,

    August 21, 2006 @ 11:25 AM

    વિવેક્ભાઈ,
    ખુબ જ સુંદર સંકલન,
    શ્રી અદીભાઈ મિરજા નો એક શેર યાદ આવી ગયો.

    દોસ્તોએ-દુશ્મનોએ,ભીંસી નાખ્યો છે મને.
    રામે રાખ્યો છે પરંતુ સૌએ ચાખ્યો છે મને..

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા..

  5. સુરેશ જાની said,

    August 21, 2006 @ 3:16 PM

    જલન માતરીના નીચેના શેરમાં ‘દોસ્ત’ શબ્દ નહીં પણ ‘સ્નેહી’ શબ્દ વાપર્યો છે. પણ દોસ્ત અને દુશ્મનની સરસ સરખામણી કરી છે:-

    “અરે સૌ દુશ્મનો ! ચાલો અમારા સ્નેહીઓ સાથે,
    કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઇ જવાના છે? “

  6. ઊર્મિસાગર said,

    August 22, 2006 @ 10:46 AM

    તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
    કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
    જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
    મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

    I like this one the MOST!!!

  7. neel said,

    August 26, 2006 @ 1:45 AM

    મિત્રો..
    હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

    મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે.. પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

  8. Vimal islnaiya said,

    November 23, 2006 @ 3:04 PM

    બવજ સરસ………..થોડુક કાઠીયાવાડી. સાહિત્ય ઊમેરાય તો…મજા આવી જાય્…

  9. sanjay said,

    January 5, 2007 @ 11:02 AM

    ઘનુ સારુ લખિયુ છે.આનઁદ થૈયો.

  10. Sangita said,

    January 8, 2007 @ 12:14 PM

    ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
    જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે

    I like this sher by “Miskin” the most!

  11. piyush said,

    April 14, 2007 @ 7:50 AM

    કેમ ચો ? અમે મઝા મા ચ્યે તમે મઝા મા હસો. તમારિ યાદ હમેશા આવે ચે,

  12. Rajesh Karia said,

    April 16, 2007 @ 5:57 AM

    હેલો કેમ મજો મજો

    સ્રરસિ

  13. JayShree said,

    October 8, 2007 @ 8:19 PM

    કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
    મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

    – ભાસ્કર ભટ્ટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment